Tuesday, November 30, 2010

સુખ માત્ર મંઝિલે જ નથી હોતું, માર્ગમાં પણ હોય છે...

જિંદગીને એટલી બધી પણ ભરી ન દો કે તેમાં સુખ માટે જગ્યા જ ન રહે. તમને ગમે તેવું કંઈક કરવા જિંદગીને થોડીક ખાલી પણ રાખો. સુખ માત્ર મંઝિલે જ નથી હોતું, માર્ગમાં પણ હોય છે. જિંદગી સાથેના સંવાદોમાં છેલ્લે કહ્યું કે, એ જિંદગી, તું ક્યાં છે? મારે તને જોવી છે! જિંદગીએ કહ્યું, આંખોના ડોળા ફાડીને મને શોધવાનો પ્રયત્ન કર, જરાક આંખ મીંચીને મને શોધ, હું તારી અંદર જ છું.

તું મારાથી ખુશ છે? જિંદગીએ આજે એક અણિયાળો સવાલ પૂછી નાખ્યો. આમ તો તે અનેક વખત આવા સવાલો પૂછતી રહે છે પણ હું તેને જવાબ આપતો નથી. આજે મેં જિંદગી સાથે સંવાદ સાઘ્યો.

ના રે યાર! હું તારાથી પૂરેપૂરો ખુશ નથી. જો ને તું મારું ધાર્યું કંઈ થવા જ દેતી નથી. ખુશ થવાનું માંડ કંઈક કારણ મળે ત્યાં તું નવો કોઈ પ્રોબ્લેમ ઉભો કરી દે છે. આજે ઓફિસે જતો હતો ત્યાં જ ખબર મળ્યા કે, એક રિલેટિવને એક્સિડન્ટ થયો છે. બધું કામ પડતું મૂકીને ત્યાં દોડવું પડ્યું. ધારેલું બધું જ કામ રખડી પડ્યું.

જિંદગી મારી સામે હસી. તેણે બીજો સવાલ કર્યો કે, તારા રિલેટિવને બદલે તને અકસ્માત નડ્યો હોત તો? પગમાં પ્લાસ્ટર આવી જાય અને ડૉક્ટર તને કહી દે કે, હવે ત્રણ વીક બેડ રેસ્ટ કરવાનો છે. તો તારે પડ્યા રહેવું ન પડે?

જિંદગીને જવાબ આપ્યો, ના છૂટકે પડ્યા જ રહેવું પડે તો શું થાય? તું ક્યારેક આખી પૃથ્વીને જેલ જેવી બનાવી દઈ માણસને એક રૂમમાં પૂરી દે છે!

પણ તું બધું નાછૂટકે જ શા માટે કરે છે? આ તો કરવું જ પડશે, આના વગર તો ચાલશે જ નહીં, મારા વગર આ કામ બીજું કોણ કરશે? તારામાં બ્રેક લાગી જાય તો પણ ઘડિયાળનો કાંટો તો રોકાવાનો જ નથી! સમય એ એક એવું વાહન છે જેમાં બ્રેક જ નથી! હા, તેની રીધમ એક જ રહે છે. પણ તું તો એને તેની ગતિ કરતાં પણ વધુ દોડાવવા માંગે છે.

જિંદગી! તને હું પહોંચી શકવાનો નથી. તારી પાસે દરેક સવાલના જવાબ છે! જિંદગીને કહ્યું.
અને તારી પાસે માત્ર સવાલો છે, ફકત સમસ્યાઓ છે, અઢળક ફરિયાદો છે, ઢગલાબંધ અણગમા છે, ક્યારેય ન ખૂટે એવી નારાજગી છે, ખળભળી જવાય એવો ઉશ્કેરાટ છે. મેં તો તને આરામ માટે આખી રાત આપી છે પણ તને ક્યાં ઊંઘ આવે છે?

મેં કહ્યું ને કે, તારી પાસે બધા સવાલના જવાબ છે! જિંદગીએ કહ્યું કે, એટલે જ કહું છું દોસ્ત, મારામાંથી થોડાક જવાબ શોધી લે. તું તો પ્રશ્નોમાં જ એટલો ગૂંચવાઈ ગયો છે કે, તારી પાસે જવાબ વિચારવાની ફુરસદ જ નથી! હું તારા માટે છું પણ તને તો મારી સામે જોવાની પરવા જ નથી.

તમારી જિંદગી તમને ક્યારેય આવા સવાલો કરે છે? કરતી જ હશે, કારણકે જિંદગીનો સ્વભાવ જ સવાલો કરતા રહેવાનો છે. સવાલ એ છે કે, આપણે એના પ્રશ્નોના જવાબો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ? તને હાથ લંબાવો તો જિંદગી તમને જવાબ આપી દેશે.

માણસ જિંદગી સાથે આખી જિંદગી યુદ્ધ લડતો રહે છે. શિયાળામાં પોતાની જાતને હીટરમાં ઘૂસાડી દે છે અને પછી ઉનાળામાં કાશ્મીર ફરવા જાય છે. ચોમાસામાં કીચડની બૂમો પાડતો રહે છે અને બાથરૂમમાં શાવર નીચે ઊભો રહી વરસાદના સપનાં જુએ છે.

બગીચામાં જવાનું ટાળે છે અને સ્પ્રે છાંટેલા બુકેમાં બગીચો શોધવા ફાંફાં મારે છે. ઝાકળનું બિંદુ કેટલું નિર્મળ હોય છે એ તેને ટીવીના એલસીડી સ્ક્રીન ઉપર જોઈને જ સમજાય છે. કૂંપળનો અર્થ ખીલેલાં ફૂલો પાસેથી નથી મળતો. ખાંડમાં શેરડીની મીઠાશ શોધવા મથતો રહે છે અને જિંદગી ક્યારે શુગર ફ્રી થઈ જાય છે તેની સમજ નથી પડતી.

જિંદગી સાથે યુદ્ધ લડતાં લડતાં જ જિંદગી પૂરી થઈ જાય છે અને માણસ હારી જાય છે. સુખનો સરવાળો મોટો કરવાની લ્હાયમાં જિંદગીની બાદબાકી ક્યારે થઈ ગઈ એ માણસને ક્યારેય સમજાતું નથી. સુખ તો એક અવો પદાર્થ છે જેનું ઉત્પાદન રોજેરોજ કરવાનું છે અને રોજ તેન વાપરવાનું અને માણવાનું હોય છે. માણસ સુખને ભેગું કરવા મથતો રહે છે, થોડુંક ભેગું થઈ જાય પછી આરામથી સુખને માણીશ એવું વિચારતો રહે છે પણ સુખ માણવાનો સમય જ મળતો નથી.

સુખ સાથે સંતાકૂકડી ન રમો. યાદ કરો તમે આજે તમને સુખ ફીલ થાય એવું શું કર્યું? થોડુંકેય સંગીત વગાડ્યું? એકેય ચિત્ર જોયું? કોઈ પક્ષીનો કલરવ ઝીલવા કાન માંડયા? ઘરના લોકોને સારું લાગે એવી કોઈ વાત કરી? દિલને હાશ થાય એટલું હસ્યા છો? કોઈ ગીત ગણગણ્યા છો? કે એટલો સમય પણ તમને નથી મળ્યો?

જિંદગીને એટલી બધી પણ ભરી ન દો કે તેમાં સુખ માટે જગ્યા જ ન રહે. તમને ગમે તેવું કંઈક કરવા જિંદગીને થોડીક ખાલી પણ રાખો. સુખ માત્ર મંઝિલે જ નથી હોતું, માર્ગમાં પણ હોય છે.

જિંદગી સાથેના સંવાદોમાં છેલ્લે કહ્યું કે, એ જિંદગી, તું ક્યાં છે? મારે તને જોવી છે!

જિંદગીએ કહ્યું, આંખોના ડોળા ફાડીને મને શોધવાનો પ્રયત્ન ન કર, જરાક આંખ મીંચીને મને શોધ, હું તારી અંદર જ છું. તમે પણ તમારી જિંદગીને શોધજો. મળી આવશે...

છેલ્લો સીન:

આપણે જો સુખી થવું હોય તો એ બહુ સહેલું છે, પણ આપણે તો બીજાં કરતા વધુ સુખી થવું હોય છે, અને તે બહુ મુશ્કેલ છે, ............કારણ કે આપણે લોકોને એ હોય છે તેના કરતા વધુ સુખી માનતા હોઈએ છીએ. -

સુખ માત્ર મંઝિલે જ નથી હોતું, માર્ગમાં પણ હોય છે...

જિંદગીને એટલી બધી પણ ભરી ન દો કે તેમાં સુખ માટે જગ્યા જ ન રહે. તમને ગમે તેવું કંઈક કરવા જિંદગીને થોડીક ખાલી પણ રાખો. સુખ માત્ર મંઝિલે જ નથી ...